નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
On May 1, 2021 by hemaangનિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયાં કો નથિ કૃષ્ણ તોલે. નિ૦૧
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો,
પકડી પ્રેમે સજીવન-મૂળી. નિ૦૨
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે. નિ૦૩
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણજિહ્વાએ રસ સરસ પીવો. નિ૦૪
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે. નિ૦૫
~ નરસિંહ મહેતા
Archives
Calendar
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
Leave a Reply